બે અનુવાદિત કવિતાઓ : અનુ. ~ ભગવાન થાવરાણી * Bhagavan Thavrani
રાકેશ રોહિત : અનુ. ભગવાન થાવરાણી
કવિ અને કવિતા
મને હંમેશા લાગે છે
સંસારમાં ઘણા બધા કવિ હોવા જોઈએ
અને બેશુમાર કવિતાઓ
એટલી બધી
કે દુનિયાની બધી લાઇબ્રેરી ઓછી પડે
પુસ્તકો મૂકવાની જગા ન બચે
અને પછી બધા મનુષ્યોએ એમને મનમાં સાચવી રાખવી પડે
તમારા મનમાં – મારા મનમાં
અને ત્યારે
એક માણસ બીજાને મળે
તો એવું લાગે
જાણે એક કવિતા બીજીને મળી રહી છે..
~ રાકેશ રોહિત
~ હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી
કવિ થાવરાણીજી પોતે તો ઉમદા કવિ છે જ પરંતુ બીજી ભાષામાંથી ખાસ કરીને હિન્દીમાંથી એટલી સરસ કવિતાઓ પસંદ કરીને એના સુંદર અનુવાદો આપે છે. સલામ કવિ !
રાજીવ પંત : અનુ. ભગવાન થાવરાણી
કોટ
ખીંટીએ કોટ ટાંગેલો છે.
ખીંટીએ ટિંગાયેલો છે અનેક ઋતુઓનો હિસાબ–કિતાબ
શ્રાવણની ઝરમર
બરફની ભીનાશ
તોફાનની થપાટો
તડકાનો રંગ
પણ બધાય રંગ ઝાંખા
અને કઢંગા.
ટિંગાય છે
જીવન સફરનો
નાનકડો ઇતિહાસ
ખીંટી પર.
મેં અને આ કોટે સાથે મળીને
ગૂંથ્યા છે અનેક સપનાં
એના લાંબા કોલર નીચે દબાયેલી છે
સુખી દિવસોની યાદો
અને ત્યાં જ છુપાયો છે
કોટનો અસલી રંગ
આજે પણ.
ઘસાઈ ગયેલા ખિસ્સામાંથી સરકીને
અસ્તરમાં લપાઈ ગયા છે
કેટલાક જૂના સંબંધ
વીતેલી યાદો
જે ક્યારેક
હાથને સ્પર્શી જાય છે
અને થોડીક ક્ષણો માટે
ગરમ કાપડની ખુશ્બુ
અને વીતેલા દિવસોની રંગત
જીવનમાં પાછી લાવે છે.
આ બધું હોવા છતાં
આ તો કેવળ
કહેવાની વાત છે
કે ખીંટી ઉપર કોટ ટિંગાય છે
આપણાથી પીઠ ફેરવીને…
~ રાજીવ પંત
~ હિન્દી પરથી અનુવાદ ભગવાન થાવરાણી
વાહહહ વાહહહ થાવરાણીજી … સરસ અનુવાદ
ખૂબ સરસ ભાવાભિવ્યક્તિ, અનુવાદ.