વિરહ
તું નથી ત્યારે
તારાં નહીં વહેલાં આંસુઓ
વહેંચવા નીકળ્યો છું
એક ટીપું કાલે ઊગનારી કળીએ લઈ લીધું
ને બીજી સવારે એ સૂર્યકિરણમાં ચમક્યું
પાંખડીઓ પર!
એક ટીપું સૂકા સરોવરે માંગ્યું
ને સવારે તો તે
કમળોથી છલછલી ઊઠ્યું!
સાતે સમુદ્રો પાસે તેમનાં આંસુ તો હતાં જ!
તોય તારાં આંસુ અનેક છીપમાં સંઘર્યાં
પછી તો મોતીઓ વેરાયાં વૈશ્વિક ચોકમાં
વાદળોએ પણ માંગ્યાં તારાં આંસુઓ
ને રાત ભર એટલાં ટીપાં વરસ્યાં કે
ઉઘાડ નીકળતાં જ લીલાશ લહેરાઈ ગઈ
પૃથ્વી પર!
આકાશે કહ્યું કે
હું નહીં સાચવી શકું એને
ને તેણે ઉછાળી મૂક્યાં આંસુઓ બ્રહ્માંડમાં
એ પછી રોજ તારાં આંસુઓ
તારાઓ થઈને ચમકે છે
તું નથી એનું દુઃખ હતું
પણ હવે થાય છે કે
ક્યાં નથી તું..!
~ રવીન્દ્ર પારેખ
પ્રિયજનની વિદાય જીવનના કેટકેટલા અર્થો સમજાવે છે! સંબંધના કેટકેટલા રહસ્યો ખોલે છે અને એક વિષાદનું આકાશ ઉઘાડે છે, કાશ….. ને પછી આ બે અક્ષરને સહારે જ બાકીના શ્વાસો ખુટાડવાના હોય છે !!

વિરહ રચના હ્રદયસ્પર્શી
ગઝલ ખૂબ ખૂબ સરસ.
સમસ્ત બ્રહ્માંડ માં આંસું રુપે જોવાની કવિની વેદના સરસ અભિવ્યક્ત થઈ છે.
પ્રિયવિરહનો વ્યાપ વધતાં વધતાં સર્વત્ર પ્રિય પ્રત્યક્ષ થવા લાગે આ કવિકર્મ ખૂબ સ-રસ થયું. ગઝલના શેર પણ નાવીન્ય સભર છે અને અર્થઘન પણ.