માધવ આસ્તિક ~ એટલે

એકપણ કિરદારને

એટલે ભજવી શકયો ના એકપણ કિરદારને,
છેતરી શકતો નથી હું મારા એકાકારને.

કોઇ ચોખંડી જગામાં લહેર ના લાવી શક્યા,
સ્થિર જળમાંથી ફકત નીચવી શક્યાતા ક્ષારને.

એટલે ઘૃણા ન થાતી આપને ઇતિહાસથી,
શૌર્યરસ નીચે દબાવ્યા કૈક નરસંહારને.

બેઉ બાજુ છે નકુચા બેઉને એ જાણ છે,
કોઈથી ખોલી શકાયું ના અહમ ના દ્વારને.

લાવ તું દરિયો છતાં ભીનાશ ના લાવી શકે,
તો અગરિયા જેમ કેવળ સાચવીશું ક્ષારને.

તું મળે વર્ષો પછી તો એમ હું જોયા કરું,
જે રીતે જોયા કરે છે સાધુ આ સંસારને.

~ માધવ આસ્તિક

4 thoughts on “માધવ આસ્તિક ~ એટલે”

  1. Kirtichandra Shah

    શૌર્યરસ નીચે દબાયા કંઇક નરસંહાર….આરપાર ઉતરી જાય આ શબ્દૉ

  2. હરીશ દાસાણી.મુંબઈ

    ગુજરાતી ગઝલોના ઉત્કૃષ્ટ સંચયમાં સ્થાન મળી શકે એવી બળવાન કૃતિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *