
કોઈ અહીં આવે છે મળવા
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા,
કોઈ આવતું એમ જ બસ, આખેઆખા ઓગળવા.
કોઈ આવતાવેંત પંડના કૈંક પટારા ખોલે.
કોઈ મૌનનો માળો બાંધે, એક શબદ ના બોલે.
કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.
કોઈ કશું અંકે કરવા આવી પાથરતા ખોળો.
કોઈ અરજ કરતા કે ભીની આંખોમાં ઝબકોળો.
કોઈ બેસતું આવીને કંઈ દુઃખનાં દળણાં દળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.
કોઈ આરતીની ઝાલરનો સાદ સાંભળે ઝીણો.
કોઈ અભાગી જીવને અમથો અમથો ચડતો મીણો!
કોઈ ઊગવા આવે, કોઈ આવે છે ઊઘડવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.
~ નીતિન વડગામા
ચિંતનથી ભરેલું ગીત.
કેવા કેવા પ્રકારના માનવીઓ હોય છે એનું જાણે આખું શબ્દચિત્ર કવિએ આપી દીધું છે. વળી આ ચિત્ર હૃદયસ્પર્શી બન્યું છે. ક્યાંક ભાવ છલકાય છે તો ક્યાંક અભાવ આંખે વળગે છે. ઊગવા કે ઊઘડવા જન્મારો ધારણ કરેલા મનુષ્યોને પણ કવિએ ઝીણી આંખે પામ્યા છે…કેવું સરસ!

કોઈ અહીં આવે ……A very fine poem Dhanyvad
વાહ સરસ ગીતો..
કવિશ્રી નીતિન વડગામાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🎈
કવિશ્રી ને શુભેચ્છાઓ. બંને ગીતોમાં ખૂબ જ માર્મિક ઊંડાણ છે.
Fine
સહજ સહજ લખાયેલાં ગીતો આસ્વાદ્ય બન્યાં છે.અભિનંદન.