પ્રભુ પહાડપુરી ~ બહુ કઠિન છે * Prabhu Pahadpuri

અધવચ્ચેથી

બહુ કઠિન છે….

કવિતામાંથી અધવચ્ચે પાછા ફરવાનું.

એક પા મૃગજળ મહેણાં મારે,

તરસ સામે પાણી હારે

તોય જળના વમળ વચ્ચે રણને ઊભું કરવાનું…

બહુ કઠિન છે, કવિતામાંથી પાછા ફરવાનું.

હવાનો હડસેલો ઉપરથી આવે,

તળિયું તો ભીતર બોલાવે

અને એવામાં પકડી પરપોટો તરવાનું…

બહુ કઠિન છે. પાછા ફરવાનું.

આઠમા માળે કવિતા ઊભી

ચંદ્રશી નથણી પહેરી ને ભૈ

પાંચમા માળની વેલથી વેગળા થઈ ખરવાનું.

બહુ કઠિન છે, કવિતામાંથી પાછા ફરવાનું.

સ્હેજ હલે આકાશ ને, ઊભી થાય ખીણો

પાતાળ સ્હેજ શ્વસે ને, પર્વતો આડા થાય

દરિયા જેવા દરિયા પર પછીતના વાડા થાય

ને તોય ખોબલા પાણી કાજે,

પાણિયારીને કરગરવાનું

આ કાગળની ભોંય પર,

ફૂટે અંકુર અર્થોના તે વેળા

નહીં બને મારાથી હાંસિયામાં જઈ પુરાવાનું

સાચ્ચે જ,

બહુ કઠિન છે, કવિતામાંથી અધવચ્ચે પાછા ફરવાનું?

~ પ્રભુ પહાડપુરી (જ. 7.12.1942)

જન્મદિવસે કવિને સ્મૃતિવંદના

4 Responses

  1. કવિશ્રી પ્રભુ પહાડપુરીની સુંદર અછાંદસ ! કવિશ્રીને હાર્દિક વંદન

  2. સુંદર રચના ખુબ ગમી

  3. Minal Oza says:

    વિવિધ અર્થની છાયા લઈને આવેલું અછાંદસ કાવ્ય સરસ છે. અભિનંદન.

  4. 'સાજ' મેવાડા says:

    કવિને સ્મૃતિવંદના, સુંદર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: