રમેશ પારેખ ~ દરિયામાં હોય એને મોતી કહેવાય * Ramesh Parekh * સ્વર Amar Bhatt

બોલ હવે તું

દરિયામાં હોય એને મોતી કહેવાય
તો આંખોમાં હોય તેને શું ?
અમે પૂછ્યું, લે બોલ હવે તું .…

પંખી વછોઈ કોઈ એકલી જગાને
તમે માળો કહેશો કે બખોલ ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ
ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે
ઝાડવામાં ઊગી છું હું ?
અમે પૂછયું, લે બોલ હવે તું ..

ઊચી ઘોડી ને એનો ઊંચો અસવાર
એના મારગ મોટા કે કોલ મોટા ?
દરિયા તરવાની હોડ માંડે તો
દરિયાનું પાણી જીતે કે પરપોટા ?
સૂરજ ન હોય તેવી રીતે ઝિંકાય છે એ
તડકાઓ હોય છે કે લૂ ?
અમે પૂછયું, લે બોલ હવે તું …

~ રમેશ પારેખ

કાવ્ય : રમેશ પારેખ * સ્વરઃ અમર ભટ્ટ * સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

@@

3 Responses

  1. વાહ ખુબ સરસ રચના ખુબ ગમી

  2. 'સાજ' મેવાડા says:

    ગીતનો ઉઘાડ ખૂબ જ સરસ.

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    રમેશ પારેખની એક ખૂબ સરસ ગીત રચનાને અમર ભટ્ટે ખૂબ સુંદર મધુર કંઠ આપી ગીતને ઉંચાઈ આપી… ખૂબ સરસ લતાબેન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: