રમેશ પારેખ ~ એકલા સાંજે બગીચે બેસવું

શું ચીજ છે?

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શી ચીજ છે?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા
રોજ એનું એજ જીવ પર આવવું શું ચીજ છે?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?

~ રમેશ પારેખ

1 thought on “રમેશ પારેખ ~ એકલા સાંજે બગીચે બેસવું”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *