
જીવ્યા વગર
કોઈ સપના વગર, કોઈ ઈચ્છા વગર
જિંદગી રોજ વીતી છે જીવ્યા વગર.
આંખ દોડી અને વિંટળાઈ વળી
આમ ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર.
તારવ્યાં અર્થ સૌએ દશા જોઈને
કૈંક પડઘા પડ્યા આમ બોલ્યા વગર.
લાખ ટોકે ને રોકે, મનાઈ કરે
તોય ક્યાં રહી શક્યું કોઈ તડપ્યા વગર.
આખરી પળમાં સૌને અહીં થાય છે
જાય છે કૈં જ સમજ્યા કે જાણ્યા વગર.
ભર અષાઢે શું મિસ્કીન વિશે હું કહું ?
એક વાદળ ભટકતું’તું વરસ્યા વગર.
~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વાહ…
કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
વાહહહ…
વાહ, સરસ ગઝલો. જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.