કાગળના વિસ્તાર પર
ધણથી છુટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર રોજ રઝળપાટ કરું છું
પાનાંનાં પાનાં ભરાય છે રોજ
શબ્દની મોરીએ કશું ખેંચાઈ આવશે
એ આશાએ મથ્યા કરું છું રોજ
પણ આજ લગી
એકાદ ગલીનો વળાંક સુદ્ધાં
હું વાંચી શક્યો નથી
હતું કે કાગળ કેડી કોતરી લેશું
કૂવો પાણી ખેંચી લેશું
એક લસરકે ગામ પાદરને ઊંચકી લેશું.
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઈ જશે એની ખબર નહીં
બાકી નળિયા આગળ જ નમી પડત
હજુયે કહું છું કે
મોભારે ચડવાનું માંડી વાળો આમ શબ્દો સંચાર્યે
કદી ઘર નહીં છવાય !
બારે મેઘ ખાંગા ત્યાં
નેવા ઝીલવાનું તમારું ગજું નહીં જીવ !
તંગડી ઊંચી ઝાલીને
અંદર આવતા રો
એકાદ ચૂવો આંતરી લેવાય ને
તોય ઘણું !
~ દલપત પઢિયાર
‘એકાદ ચૂવો આંતરી લેવાની’ વાત ફેસબુકિયા ‘કવિ’ ‘લેખકો’ને ક્યાંથી સમજાય ?

વાહ, ગામઠી શબ્દો સમજનારા વયસ્ક હોય જ, છતાં ભાષા સચવાય એ જરુરી છે. બે ત્રણ શબ્દો ભાવકને ઢંઢોળે એજ કવિની સાર્થકતા.
સાચું મેવાડાજી