રસ્તો
તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો
તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે
તમે સામા હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો
કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો ?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો
તમારો સોબતી છે એ તમે આ ટેવ પાડી છે
નજરથી દૂર જઈને એટલે સંતાય છે રસ્તો
જતો‘તો એમને ત્યાં એ રીતે સામા મળ્યા તેઓ
પૂછી પૂછીને પૂછાયું કે આ ક્યાં જાય છે રસ્તો
જતું રહેવું તમારું પગ પછાડીને જતું રહેવું
અહીં હું ખાલીખમ બેઠો અને પડઘાય છે રસ્તો
પ્રતીક્ષા નહિ કરો તો પણ એ કરવાની ફરજ પડશે
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.
~ ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ જન્મ 7.9.1934
ગઝલસંગ્રહ: રજ રજ અચરજ

વાહ, ‘રસ્તા’ ને રદિફ બનાવી લખાયેલી ગઝલોમાં આ પણ સરસ ઉમેરો.