છાયા શાહ ~ પાંદડાનું પડી જવું

એ પાનખર નથી ~ છાયા શાહ

પાંદડાનું પડી જવું
એ પાનખર નથી
વૃક્ષનો નિર્ણય છે
હવે નવું જીવન જીવવાનું.

વિલાતી કળી વચ્ચે વિલાઇ જવું
એ ભ્રમરનું મૃત્યુ નથી
એનો પ્રેમ છે હરપળ સાથે રહેવાનું.

સાગરનું તપીને વરાળ થવું બાષ્પીભવન નથી
સૂર્યની કોશિષ છે
સાગરને નભની સફર કરાવવાનું.

તારાનું ખરી પડવું
એ તેની ગફલત નથી
એની અંતિમ ઇચ્છા છે
પૃથ્વીનું કફન ઓઢવાનું.

વેરાન જંગલો વચ્ચે, ઊંચા બનીને ઊભવું
એ પર્વતનું ગૌરવ નથી
એની મજબૂરી છે
સાવ એકલા બનીને જીવવાનું.

તૃણ પરનું પાણી એ ઝાકળ નથી
એના આંસુ છે
શું નભને મારે ક્યારેય નહીં અડવાનું ?

~ છાયા શાહ

છાયા શાહનું આ વિચારકાવ્ય અનેક પ્રાકૃતિક પરિસ્થિતિઓને જરા જુદી દૃષ્ટિથી નિહાળે છે. ચારેબાજુ પૃથ્વી પર જે કંઇ ફેલાયેલું છે અને એના જે રૂઢ અર્થઘટનો માનવીના મનમાં ગોઠવાઇ ગયાં છે ત્યારે આ જુદો દૃષ્ટિકોણ આંખને અને મનને આકર્ષે છે. અહીં એક કવિનો, એક ચિંતકનો સ્વભાવ પ્રગટ થાય છે.

આ ગદ્યકાવ્યમાં એક પોઝીટીવ એપ્રોચ પડઘાય છે.

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 35 > 15 મે 2012

6 thoughts on “છાયા શાહ ~ પાંદડાનું પડી જવું”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ જ સરસ ગદ્ય કાવ્યો, અને આપની આસ્વાદીક નોંધ.

  2. જેટલી બંને રચનાઓ આસ્વાદ્ય એટલો જ એનો આસ્વાદ પણ.. બંનેનો આભાર. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *