ગીત એક ઊર્મિકાવ્ય ભાગ 2 ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet

ગીત એક ઊર્મિકાવ્ય ભાગ 2

ગીત એ ઊર્મિકાવ્યનું સ્વરૂપ છે તે વાત નિરપવાદ સ્વીકારાયેલી છે. ઊર્મિકાવ્ય દરેક વખતે ગીત ન પણ હોય, પરંતુ દરેક ગીત અનિવાર્યપણે ઊર્મિકાવ્ય હોવું જોઈએ. ગીતની અભિવ્યક્તિ ભાષાના માધ્યમથી થતી અભિવ્યક્તિ છે તેથી ગીત વડે થતો ઊર્મિનો અનુભવ ભાષાના માધ્યમથી થતો ઊર્મિનો અનુભવ છે. ગીતની ભાષા ઊર્મિનો પ્રથમ અનુભવ આપનારી છે, તેથી ભાષાની ઊર્મિપ્રવણતા ગીતની એક અનિવાર્ય લાક્ષણિકતા બનશે.

ઊર્મિતત્ત્વ વિશે વિચારનારાઓએ જે કહ્યું છે તેનું સામાન્ય તારણ એ છે કે વિચાર અથવા ચિંતનના ભારથી મુક્ત, મનુષ્યની હૃદ્ગત્ સંવેદનાનો ઋજુ આવિષ્કાર એટલે ઊર્મિ. આ વ્યાપ્તિ એટલી મોટી છે કે ગીતના સંદર્ભમાં વિચારતી વખતે તેને ઘણી રીતે સંયત કરવી પડે. મનુષ્યને અનુભવાતી ઊર્મિ ભાષાની સંગતિ વિનાની હોય છે. કોઈપણ ઊર્મિ ભાષામાં સ્થાન લે છે ત્યારે તે દ્વૈતીયિક ઘટના બની જતી હોય છે. ઊર્મિનું ભાષારૂપ એટલી *ક્ષિપ્રતાથી (ઝડપથી) સિદ્ધ થતું હોય છે કે ઊર્મિના ભાષાનિરપેક્ષ પિંડનો અનુભવ લીધાની પ્રતીતિ આપણને થતી નથી, અથવા થાય છે તો તે ટકતી નથી. ભાષા એ મનુષ્યચિત્તમાં થતું એવું સંચલન છે જે ઊર્મિના નિતાન્ત નિરપેક્ષ અનુભવને તરત જ સમજણની ભૂમિકાએ લાવી મૂકે છે. આ ક્રિયામાં ઊર્મિનું શુદ્ધ સ્વરૂપ ટકતું નથી. કારણ કે તેમાં ઊર્મિ ભાષારૂપે સંસિદ્ધ થાય છે. ભાષા એ ઊર્મિ નથી પણ ઊર્મિને ઝીલનારું સાધન છે.

તેનો અર્થ એ થયો કે જેને આપણે ઊર્મિતત્ત્વ કહીએ છીએ તે ભાષામાં ઢળીને આપણી બુદ્ધિને સક્રિય કરે છે, અને જે અનુભવાયું હોય તેને વિશે આપણને બુદ્ધિથી સતર્ક કરે છે. આ આખી પ્રક્રિયા મનુષ્યચિત્તમાં સૂક્ષ્મરૂપે પડેલી ભાષા વડે થાય છે. આપણે તેનાથી ક્યારેય સભાન હોતાં નથી. કારણ કે ભાષાનાં મૂળ આપણી સમજણમાં બહુ ઊંડા ગયેલા હોય છે. પ્રત્યેક અનુભવને આ સૂક્ષ્મ ભૂમિકાએ આપણે આત્મસાત્ કરતા હોઈએ છીએ. સમજણના સ્વરૂપમાં કે બાહ્ય અભિવ્યક્તિના રૂપમાં તેનો ભાષામાં આવિષ્કાર થાય ત્યારે મૂળ અનુભવથી આપણે હટી ચૂકેલાં હોઈએ છીએ. સાહિત્યમાં અભિવ્યક્ત થતો અનુભવ આ જોતાં ભાષામાં પુનઃ સંપાદિત કરેલો અનુભવ હોય છે. ભાષાનું કવચ હટાવી આપણે મૂળ અનુભવ સુધી પહોંચવાની મથામણમાં જેટલાં સફળ થઇએ તેટલી મૂળ પ્રતીતિ આપણને થઈ શકે. ઊર્મિના અનુભવના સંદર્ભમાં વાત કરીએ તો ભાષા જેટલી ઊર્મિપ્રવણ હોય તેટલા પ્રમાણમાં ઊર્મિનો મૂળ અનુભવ કરાવવાની તેનામાં ક્ષમતા હોય.

આ ચર્ચાનો નિષ્કર્ષ એ થયો કે ગીત ઊર્મિકાવ્ય છે ત્યારે, ગીતની ભાષા અનિવાર્યપણે ઊર્મિપ્રવણ હોવી જોઈએ. ભાષા જ ગીતની અભિવ્યક્તિનું સાધન છે અને ગીતની ભાષા વડે જ, ગીતોર્મિનો અનુભવ આપણને થઈ શકવાનો છે. ગીતની ભાષા કેવી હોવી જોઈએ તે અંગેનું એક મહત્ત્વનું ધોરણ આપણે આ રીતે સ્થાપી શકીએ. હવે, એટલું સ્પષ્ટ છે કે ઊર્મિનિરપેક્ષ ભાષા ગીતની અભિવ્યક્તિનું માધ્યમ બની શકે નહીં.

ઊર્મિ સાથે વિચાર કે તર્કને સહસંબંધ હોઈ શકે. પણ બન્નેનું સ્વરૂપ જુદું છે. બીજી રીતે કહીએ તો, હૃદયની અને ચિત્તની પ્રવૃત્તિઓને આપણે એક નથી ગણતા. હૃદયની પ્રવૃત્તિ તર્કાતીત અને સંવેદનમૂલક છે, જયારે ચિત્તની પ્રવૃત્તિ તાર્કિક અને વિચારાધીન છે. ગીતના સંદર્ભમાં આ વાત કરીએ છીએ ત્યારે એ જોવાનું રહે છે કે ગીતસ્થ ઊર્મિતત્ત્વ તર્ક કે વિચારને અધીન હોતું નથી. તે નિતાન્તપણે સંવેદનમૂલક અને સહજસ્ફુટ હોય છે. તેથી ગીતનો ચિત્ત સાથે સંબંધ હોય તો પણ તે મૂલતઃ હૃદયાંતર્ગત ઊર્મિ પર અવલંબે છે.

ગીત સાથે ચિત્તની જે પ્રવૃત્તિને લાગેવળગે છે તે ગીતનાં અર્થગ્રહણ પૂરતી મર્યાદિત છે. ગીતનાં અંતતોગત્વા સૌંદર્ય સાથે તેને લેવાદેવા નથી. ગીત સાથે કોઈવાર સાંસ્કૃતિક સંદર્ભ પણ જોડાયેલો હોય છે. આપણા લોકગીતોમાં ઘણીવાર કોઈ કથાનકનો આશ્રય લેવાયો હોય તેવું જોવા મળશે. આવાં કથાનકોને કે સાંસ્કૃતિક સંદર્ભમાં રહેલી પ્રતિબદ્ધતાને ગાળી દઈ તેમાંથી નિતાન્ત ઊર્મિનું નિસ્યંદન કરવાની ક્ષમતા પણ ગીતના સ્વરૂપમાં હોય છે. ગીતનો ઉતારો મનુષ્યના ઊર્મિતંત્રમાં જ હોઈ શકે. સાચું ગીત ઊર્મિના ભાવોદ્રેક તળે કશું પણ સંગોપી દેવાની ક્ષમતા ધરાવતું હોય છે. એ જેમ ભાષાને ભૂલાવી દઈ શકે છે તેમ બીજું બધું પણ પરહરી દેવા ઉત્તેજે છે. ભાવક છેવટે તો, ગીતના આસ્વાદ થકી ઊર્મિલોકમાં જ ઠરીઠામ થાય છે.

આપણે જાણીએ છીએ કે કાવ્યતત્ત્વને નહીં જાણનારો માણસ પણ ગીતને આસ્વાદી શકતો હોય છે. આમ બનવાનું કારણ વિચારી લેવું જોઈએ. ગીત જે ભાષામાં રચાય છે તે ભાષાને શબ્દકોશ સાથે સંબંધ છે તે કરતાં મનુષ્યસ્વભાવ સાથે વિશેષ સંબંધ છે. ગીતની ભાષા વધુમાં વધુ મૌલિક અને અકૃત્રિમ હોય. બીજી રીતે કહીએ તો સરળ, સહજ ભાષા ઉત્તમ ગીતરચનાની પારાશીશી છે. કાવ્યસ્વરૂપોમાં ગીત સૌથી વધુ ઋજુ અને પારદર્શી છે. ગીતમાં વપરાતો શબ્દ સાદો છતાં નિરાળો લાગે ત્યારે ગીતનું ખરું સૌંદર્ય પ્રગટ થાય છે. કાવ્યપદાર્થથી અપરિચિત ભાવક ગીતને આસ્વાદી શકે છે તેનું કારણ ગીતની આ સાદગીમાં નિહિત છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે ગીતના શબ્દો તેનો ઉપયોગ થતાંની સાથે જ ભાષારૂપે વિરમી જાય છે અને ભાવરૂપે સંવેદાવા લાગે છે. આમ તો આ લક્ષણ પ્રત્યેક સાહિત્યકૃતિનું ગણાય. પણ ગીત માટે તો એ અનિવાર્ય છે. ગીતમાં ભાષા માધ્યમ તરીકે ટકવી ન જોઈએ પણ સામગ્રીરૂપે એકરસ થઈ જવી જોઈએ. પણ, સાથે સાથે એક વાત એ પણ સમજી લેવી જરૂરી છે કે કવિતામાં અભિવ્યક્તિનાં માધ્યમ તરીકે ખપમાં લેવાતી ભાષા એક કૃત્રિમ આવિર્ભાવ છે. તેનું રંગ કે સૂર જેવા નૈસર્ગિક ઉપાદાનમાં રૂપાંતર કરવું શક્ય નથી. તેથી ગમે તેટલી ઊંચી કક્ષાના ગીતમાંથી પણ ભાષાનો પક્ષ સદંતર નિવારી દેવાનું શક્ય બનતું નથી. તેથી ગીતના કવિએ એવો સંભ્રમ રચવાનો હોય છે કે ભાવક ભાષાના સ્તરથી ખસી જઈ ભાષા વડે જ ઊર્મીના પ્રદેશમાં સહજ ઊતરાણ કરી શકે.

~ વિનોદ જોશી (મૂળ લેખનો અંશ)

ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો બીજો ભાગ ~ સંપાદક   

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગ અને ‘સન્નિધાન’ના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઑફ આર્ટ્સમાં યોજાયેલ કાર્યશિબિરમાં તા. ૩, જાન્યુઆરી, ર૦૦૪ના રોજ કરેલું વક્તવ્ય લેખ સ્વરૂપે  

3 Responses

  1. Minal Oza says:

    ઊર્મિકાવ્ય આને ઊર્મગીત વિષેનો લેખ એના સ્વરૂપને સમજવામાં ઉપયોગી છે.

  2. ખુબ સરસ ઉપયોગી લેખ કવિ શ્રી વિનોદજોશી ને ખુબ ખુબ અભિનંદન

  3. 'સાજ' મેવાડા says:

    “ગીતની ભાષા વધુમાં વધુ મૌલિક અને અકૃત્રિમ હોય. બીજી રીતે કહીએ તો સરળ, સહજ ભાષા ઉત્તમ ગીતરચનાની પારાશીશી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: