અમે
શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે;
સાંકળ સંબંધોની બાંધીને ફરનારા કોઈ નામ વગરના ફલાણા અમે.
સાલો પવન રોજ ઊઠીને ચૂંથે છે મુદડું અમારું, અમે ચૂપ છીએ;
ઘેરી ઉદાસીનું વાગે છે જંતર; કાં છાતીમાં આવી ભરાણા અમે ?
ભીંતોને આવીને અડ્ડો જમાવ્યો તો પડછાયાં રસ્તામાં વેચી દીધા;
ફાટ્ટીમૂઓ સૂર્ય ડંફાસ મારે, પણ એનાથી છઈએ પુરાણા અમે.
બખ્તરના લીરેલીરા થૈ ગયા, ઢાલ ફાટીને ને ભાલાની તૂટી અણી;
પોતાની સાથે જ લડવામાં ડૂબ્યાં કૈં લોહીમાં ઘૂંટણ સમાણા અમે.
અમથું થયું કે ‘જરા લાવ કોરાકટ કાગળ ઉપર કોઈ ગઝલ ગાઈએ’
શબ્દોનો દાવાનળ એવો તો વળગ્યો કે અંગૂઠે સખ્ખત દઝાણા અમે.
~ નયન હ દેસાઈ

ખૂબજ સરસ ગઝલ છે.
ગઝલની નજાકત વળોટીને કહેલી ગઝલ, માણસનો સ્વભાવ રજૂ કરે છે.
રચનાકારનો અનોખો મિજાજ વ્યક્ત થયો છે. અભિનંદન.
મસ્ત મજાની રચના