અરવિંદ ભટ્ટ ~ અવિવાહિતનું કાવ્ય

કોના હાથની રેખાઓ જોડાશે
મારા હાથ તણી રેખાઓ સાથે?
કુમકુમની થાળીમાં કોડી કરડે રમતા જાણી જોઈને
આખુંય ઘર હારીશ હું કોની સામે?
કોની આંખોને ઓઢીને પોઢીશ હું માઝમ રાતે?
કોની કારમી ચીસ નીકળતા મારામાં અવતાર પામશે બાપ?
મારા સ્વપ્નવંશના ફુલ સોંપીને
મારામાંથી ખરી પડેલું શૈશવ પાછું લાવી આપશે કોણ?
મને મારા સ્વપ્નવંશના વૃક્ષ ઉજેરી
મારામાંથી ખરી પડેલું જોબન પાછું લાવી આપશે કોણ?
દ્વારે રુમઝુમ કરશે વેવાઈની વેલ
વેલના પરદેશી પોપટ સંગે પોતાને એણે વિદાય આપી હોય
એમ આ ખાલી ઘરમાં પાછું ફરશે કોણ?
મંગળદીવો લઈ ફુલેકા સાથે ફરશે ઝગતું ઝગતું કોણ?
રાતે ચોક વચાળે સ્વપ્નવંશની બજર રંગની દંત કથાઓ કોણ થૂંકશે?
કોણ હાથનો મજીઠીયો ખનકાર ભાંગશે મારી પાછળ?
કોણ ખૂણાના અંધારાને ઓઢી રાખશે મારી પાછળ?
મને ગયાના દિવસ માસ ને વર્ષો ગણશે કોણ કોણ?
કોણ ડોસલી મને યાદ કરવાની મારી છબી જોઈને?
ચાલો ચાલો મને બતાવો એ કન્યાને હમણાં
ચાલો ચાલો

~ અરવિંદ ભટ્ટ

આહા…. કન્યાને જોવા જવાના સમયગાળાથી લઈને છેક પોતાના મૃત્યુ બાદ વિધવા બનેલી ડોસલી સુધીની કલ્પના કવિએ કવિતામાં ઉતારી છે! ક્યા બાત ક્યા બાત!

અપરિણીત યુવકનું એક અદભુત કાવ્ય. વિષયની દૃષ્ટિએ પણ સાવ નવીન. આખું કાવ્ય અત્યંત નાટયાત્મક અને ચિત્રાત્મક બન્યું છે. પરણવા માંગતો યુવક જીવનના એક પછી એક તબક્કાની કલ્પના કરે છે, ત્યાં સુધી કે પોતાના મૃત્યુ પછી પોતાની વિધવા શું કરશે! અહીં સુધી ચાલેલું વિસ્મય આઘાતમાં પરિણમે છે અને કાવ્યકલા એની ઊંચાઈને…

6 thoughts on “અરવિંદ ભટ્ટ ~ અવિવાહિતનું કાવ્ય”

  1. અનોખા વિષયની અનેરી અભિવ્યક્તિ. અર્થ પણ સુપેરે ઉઘાડી આપવા બદલ ધન્યવાદ.

  2. Kirtichandra Shah

    મજાની વાત કરી. મારી તો છે અને બીજાઓ ની પણ હશે

  3. 'સાજ' મેવાડા

    ખૂબ સરસ, પરણતાં પહેલાંની અવઢવ, વાહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *