કિશનસિંહ ચાવડા – કવિવર ટાગોરના દર્શન

1928ની સાલ હતી. કવિવર રવીન્દ્રનાથ ટાગોર વ્યાખ્યાનો આપવા જતાં રસ્તામાં શ્રીઅરવિંદને મળવા ખાસ પોંડિચેરી રોકાયા હતા. મેં ત્યાં સુધી કવિનાં દર્શન કર્યાં નહોતાં. કવિ અને એમની કવિતા વિષે સાંભળ્યું હતું ઘણું, વાંચ્યું પણ હતું. કવિને જ્યારે પ્રથમ જોયા ત્યારે માનવતા કેટલી ચારુ હોઈ શકે તેનો ખ્યાલ આવ્યો.

કવિતાની કલ્પનામૂતિર્ઓ અને સ્વપ્નપ્રતિમાઓ નારી રૂપે જ મેં ત્યાં સુધી સાંભળી હતી. અનેક કવિઓ અને કલાકારો, પંડિતો અને વિવેચકોએ કવિતાનો સ્ત્રીદેહ જ ઘડ્યો છે એવી મારી શ્રદ્ધાભરી માન્યતા હતી. પણ કવિના દર્શનમાં મેં એક અદ્ભુત આશ્ચર્ય જોયું! સૌન્દર્યની સહજ સુકુમારતાએ પુરુષદેહે અવતરીને જાણે વધારે દેદીપ્યમાન ભાવના મૂર્ત કરી છે. કવિતાનાં માધુર્ય, લાવણ્ય અને ચારુતા જાણે આકૃતિ પામ્યાં છે. આર્ય સંસ્કૃતિ જાણે પુરુષદેહ ધરીને વિશ્વને મુગ્ધ કરવા આવી છે.

કવિવર શ્રીઅરવિંદને મળવા ઉપર ગયા ત્યારે એમની ધવલ સ્વચ્છ દાઢીમૂછની કેશાવલિમાં લપાયલા પ્રવાળ જેવો ઉજ્જ્વળ હોઠોમાં સ્મિત સંતાકૂકડી રમતું હતું. આંખોમાં બાલસહજ નિર્દોષતા સ્ફૂતિર્ સાથે ગેલ કરી રહી હતી.

અને એ મિલન પછી કવિવર જ્યારે પાછા નીચે આવ્યા ત્યારે નેત્રો સુધીર અને સ્થિર હતાં. કીકીની પાછળની શ્વેત સુંવાળી સેજમાં ગંભીર કરુણા સૂતી હતી. બન્ને હોઠ સ્મિતને ગળી જઈને અપરાધીની જેમ એકબીજાની સોડમાં લપાઈ ગયા હતા. આંખોમાં રડું રડું થતી કવિતા આખરે ડૂસકાં લેતી હતી. પોતાની મેળે જ કવિ બોલી ઊઠ્યા :

“મેં આજે સિદ્ધ માનવતા સાક્ષાત્ કરી. વર્ષો પહેલાં શ્રીઅરવિંદને કાવ્ય દ્વારા મેં પ્રણામ કર્યા હતા. આજે એ અંજલિએ વધારે વિનમ્ર બનીને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા.”

કવિએ આશ્રમની વિદાય લીધી.

કિશનસિંહ ચાવડા – ‘અમાસના તારા’માંથી

OP 12.2.2021

***

છબીલભાઈ ત્રિવેદી

02-08-2021

કિશનસિહ ચાવડા અે ખુબજ સુન્દર રીતે ટાગોર દર્શન કરાવ્યુ ટાગોર જયારે મહર્ષિ અરવિંદ ના સાનિધ્ય મા જાય છે ત્યારે કહે છે મે આજે સિધ્ધ માનવતા સાક્ષાત કરી અદભુત દો મહાત્મા ઓ કા મિલન પ્રણામ આભાર લતાબેન

Purushottam Mevada Saaj

13-04-2021

કિશનસિન્હ ચાવડા એ બે મહાનુભાવો નું સહજ મિલન અને ટાગોરનું વ્યયક્તિત્વ આલેખ્યયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: