મીરાંબાઈ

કાલિંદી પરીખ – મીરાંબાઈનાં પદોમાં રહેલું કાવ્યત્વ

મીરાં વિશે શું લખવું, મીરાં મારી તમારી આપણી સહુની એટલી બધી નજીક છે અને જે નજીક હોય તેના વિશે લખવું જ સહુથી કઠિન હોય છે. આમ છતાંય મીરાંની ઓળખ આપવી હોય તો પ્રેમદિવાની તરીકેની આપી શકાય. એક સમયની રાજરાણી સંસારના તમામ સુખ સાહ્યબી છોડી, હાથમાં તંબુર લઈ ગલીઓમાં ગોવિંદના ગુણગાન ગાવા નીકળી પડે છે.  લોકલાજને છોડી સાધુની સંગતમાં બેસે છે. તે પોતે જ તેના એક પદમાં કહે છે, સાધુસંગ બૈઠ બૈઠ લોકલાજ ખોઈ. સાસુ તેને કુલનાશિની કહે કે લોકો તેને બાવરી કહે તેની તેને પરવા નથી. તેને તો પગે ઘુંઘરું બાંધી નાચવું છે. તેને આ નાચથી તેના સાંવરિયાને રિઝવવો છે અને એટલે જ મીરાંને મન ઘુંઘરું અને તંબુરમાં કોઈ ભેદ નથી. સાચું કહો તો તેને કૃષ્ણ સિવાય, ગિરિધર ગોપાલ સિવાય બીજું કશું દેખાતું જ નથી. મેરો તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ એમ તો જ કહી શકે ને!  

મીરાં તો છેક બચપણમાં જ કૃષ્ણને વરી ચૂકી હતી. તે તો રાસમાં ન જઈ શકેલી પૂર્વ જન્મની વ્રજગોપી હતી. ગોપી બન્યા વિના આવી  અનન્ય કૃષ્ણભક્તિ ફોગટમાં મળી જતી નથી. એના માટે ઝેર પીવાની પણ તૈયારી રાખવી પડે. રાણાજીએ મોકલાવેલો વિષનો પ્યાલો અમૃત જાણી મીરાંબાઈ ગટગટાવી ગયા. આ કૃષ્ણ પ્રત્યેનો ભરોસો છે.  આ ભરોસો દીવાનગીની પરાકાષ્ટા છે.

મીરાંબાઈ ગુજરાતી સાહિત્યનાં પ્રથમ અને સર્વોચ્ચ ભક્ત કવયિત્રી છે.  તેમની બાલ્યાવસ્થા અને યુવાની મેવાડમાં અને શેષ જીવન વૃંદાવન અને દ્વારકામાં વીત્યું હોવાથી તેમનાં પદો રાજસ્થાની, વ્રજ- હિન્દી અને ગુજરાતી ભાષામાં મળે છે. રાજસ્થાનીમાં રચાએલું પદ- ‘રામ મિલણરો ઘણો ઉમાવો નિત ઉઠી જોઉં વાટડિયો’ તો વ્રજ ભાષામાં ‘આલિ માહે લાગે વૃંદાવન નીકો’ અને  કેટલાંક પદો તો સંપૂર્ણપણે ગુજરાતીમાં જોવા મળે છે જેમ કે, ‘બોલ મા બોલ મા રે રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે’/ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વગેરે. એમણે રચેલાં પદો અંદાજે ૨૫૦-૩૦૦ જેટલાં હોવાનું અનુમાન કરાયું છે. તેમના પદો જેટલા લોકભોગ્ય છે એટલા જ ગુણવત્તા અને સત્વશીલતાસભર છે. મીરાંબાઈનાં પદોમાં ભલે વિષયવૈવિધ્ય નથી પરંતુ ભાવોનું વૈવિધ્ય જરૂર જોવા મળે છે. તેમનાં પદોમાં તેમના અંતરની આરત અને ઊંડી ઊર્મિનું ગાન આસ્વાદ્ય બની રહયું છે. તેમનાં શૈશવકાળથી જ ગિરિધર ગોપાલને મનોમન વરી ચૂકેલાં મીરાં ગાઈ ઊઠે છે કે, ‘સાહેલી, હું તો અખંડ વરને વરી/વરમાળા ધરી ગિરિધરવરની/ હું તો પરણી મારા પિયુની સંગાથ,બીજાનો મીંઢોળ નહીં બાંધું’

મીરાંબાઈની કૃષ્ણભક્તિ જન્મજન્માંતરની છે. પૂર્વજન્મની વ્રજગોપી એવા મીરાંબાઈનો કૃષ્ણમિલન માટેનો તલસાટ અને વિરહવ્યથા તેમનાં અનેક પદોમાં જોવા મળે છે.  પ્યારે દરસન દીજો આજ/ મૈં તો દરદ દીવાની/ મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, અંસુવન જલ સીંચ સીંચ પ્રેમબેલિ બોઈ વગેરે. વિરહમાં પણ એક ઊંડી આશ છે. તેમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પણ શૃંગારમય હોવા છતાં ભક્તિપૂત બનીને રેલાય છે. તેમનો આ શૃંગાર અને વિરહ વિપ્રલબ્ધ શૃંગાર છે. એમની બાનીમાં નૈસર્ગિક લાલિત્ય, માધુર્ય અને માર્દવ છે. પ્રણયઘેલી રસિકા નવોઢાની આતુરતા છે. મૈં તો સાંવરેકે રંગ રાચી રે/ મેં તો ગિરિધરકે ઘર જાઉં/ બસો મેરે નૈનમેં નંદલાલ/ આલિ,મોહે લાગે વૃંદાવન  નીકો ઈત્યાદિ.

મીરાંબાઈનાં પદો આત્મચરિત્રાત્મક છે. ‘મુખડાની માયા લાગી મોહનપ્યારા, મુખડું મેં જોયું તારું’ – પણ તેની આ આત્મરતિ કૃષ્ણ પ્રત્યેની અનન્યતાને લીધે છે. મીરાંબાઈ પ્રેમલક્ષણાભક્તિની આરાધિકા છે. આ પ્રેમભક્તિ તેની કાવ્યબાનીમાં અનર્ગળ અને અસ્ખલિત વહી છે અને એટલે જ તેનાં પદો આટલા રસાર્દ્ર બની રહ્યાં છે. રસરાજ શ્રીકૃષ્ણની મીરાં આ પદોના ગાન અને નર્તન દ્વારા સેવા ચાકરી કરે છે. ‘મ્હાને ચાકર રાખો ગિરધારી લલા, ચાકરીમેં સુમિરન પાઉં નિત નિત દરસન’  મીરાં ઘણાં પદોમાં શ્રીકૃષ્ણના મુરલીધારી, મોરપીંચ્છધારી સ્વરૂપનાં ચિત્રો સાંપડે છે. ‘જાકે શિર મોર મુગટ સોઈ મેરો પતિ’ આ સાથે વૃંદાવનની કુંજગલી, જમુનાનાં જળ, તુલસીક્યારો વગેરેમાં પણ તેનો ભક્તિભાવ જ પ્રગટ થાય છે.

કૃષ્ણભક્ત મીરાંના પદોમાં રામ શબ્દ અનેક વખત રમતો જોવા મળે છે. રામ છે રામ છે રામ છે/ રામ રતનધન પાયો, રામ રાખે તેમ રહીએ/ રામ રમકડું જડિયું/ રામ મિલણરો ઘણો કમાવો/ લેતાં લેતાં રામનામ રે.  આ રામ એટલે દશરથપુત્ર રામ નહીં પણ સત્ય સ્વરૂપ પરબ્રહ્મ, મીરાંને બ્રહ્મત્વ લાધ્યું છે. અહીં ગાંધીજીનું સ્મરણ સ્હેજે થઈ આવે. જેમ મીરાંનાં રુદિયામાં રામ છે તેમ ગાંધીજીનાં અંતરમાં પણ રામ નિવાસ કરે છે. મીરાંને જેમ ઈશ્વરમાં અનન્ય શ્રધ્ધા હતી તેમ ગાંધીજીને પણ રામનામમાં અતૂટ શ્રદ્ધા હતી. આમ બંને સંતોને રામનામનું દ્રવ્ય સાંપડ્યું હતું. પૂ. બાપુએ એટલે જ તેમની આશ્રમ ભજનાવલિમાં મીરાંના ઘણાં પદોને સમાવિષ્ટ કર્યાં છે.

મીરાંબાઈનાં પદોમાં ભક્તિ ઉપરાંત જ્ઞાન અને યોગ વિષયક પદો પણ જોવા મળે છે. ‘માન- અપમાન દોઉ ધર પટકે નિકસી ગ્યાન ગલી/ જ્ઞાન કટારી મારી, અમને પ્રેમ કટારી મારી, રાણાજી અમને જ્ઞાન કટારી મારી’  ‘આણી તીરે ગંગા, વહાલા પેલી તીરે જમુના, વચમાં ગોકુળિયું રૂડું ગામ, રૂડું ગામ, રૂડું ગામ રે’  અહીં જ્ઞાનની ગંગા અને કર્મની જમુના વહે છે અને તેની મધ્યમાં રૂડું ગોકુળિયું ગામ છે.  જ્યારે યોગપરક અર્થ લેતાં ઈડારૂપી ગંગા અને પિંગલારૂપી જમુના એ બંનેમાંથી વહેતી ચૈતન્યની ધારા સુષુમ્ણારૂપી રૂડા ગોકુળમાં જઈ પહોંચે છે. અહીં ગોકુળને રૂડું એટલા માટે કહ્યું છે કે ત્યાં મોરપીંચ્છ અને બંસીધર કૃષ્ણ વસે છે. વળી ત્રણ વખત રૂડું કહીને ગોકુળની અનેરી શોભાનો મહિમા તો ગાયો જ છે સાથે સાથે પછીની કડીઓમાં ઘેલો કાન, સુંદર શ્યામ, રામે રામ એ શબ્દસમૂહોના આવર્તનોના કારણે લયવિન્યાસ સધાય છે. ગોકુળના સૌંદર્યની સાથે  પદનાં શબ્દલાલિત્ય અને અર્થવૈભવમાં પણ અભિવૃધ્ધિ થાય છે.

મીરાંનાં અનેક પદોમાં શબ્દાલંકારો અને અર્થાલંકારો જોવા મળે છે. જેમ કે, ‘સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરર/વાગ્યાં અરરર/ ખાખ ઉડી ખરરર’ તો અન્ય એક પદ ‘મન મારા લીધાં રે લટકે/ જે માર્યાં ઝટકે/ પેલા વાંસ તણા કટકે’ આ જ રીતે ‘બોલે ઝીણાં મોર/ કોયલ કરે કલશોર/ મેઘ હુઆ ઘનઘોર/ ભીંજે સાળુડાની કોર’ તો  ‘નહીં ભાવે તારો દેસલડો રંગરૂડો/ કૂડો/ચૂડો/ ઝૂડો વગેરે. મીરાંના પદોમાં  સહજ આવતા શબ્દાનુપ્રાસ અલંકારોને કારણે નાદનું ઐશ્વર્ય પણ સંભળાય છે.

મીરાંબાઈના પદો સહુથી વધુ લોકપ્રિય થવાનું કારણ તેની સરળ, સહજ , કોમળ પદાવલિઓ તો ખરી જ પણ એથીય વિશેષ તેની ગેયતા છે. તેનાં બધાં જ પદો મધુર અને શુધ્ધ શાસ્ત્રીય રાગોમાં ગાઈ શકાય છે. મીરાંના પિયર અને સાસરિયામાં સંગીતના  સાધકો હતાં. તેના વડસસરા રાણાકુંભા  સંગીતશાસ્ત્રના રચયિતા હતા. બંને રાજપરિવારોમાં  સંગીતની પરંપરા હતી એટલે મીરાંના પદોમાં સહજ રીતે જ સંગીત રસાઈ ગયું છે. તેનાં પદો મલ્હાર, કાલિંગડા, ખમાજ, કાફી, બિહાગ, તેલંગ, કલ્યાણ, ધનાશ્રી, પીલુ, માર, ભૈરવી તથા અન્ય અનેક રાગ રાગિણીઓમાં ગાઈ શકાય તેવાં છે, બલ્કે ગવાયાં છે. ‘બરસે બદરિયા સાવનકી’ મલ્હાર રાગમાં  છે તો ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી’ માલકૌંસમાં ગવાય છે એ જ રીતે ‘મુખડાની માયા’ રાગ કાફી અને તાલ દ્રુત દીપચંદીમાં તો ‘બોલ મા બોલ મા’ રાગ ઝિંઝોટી અને તીન તાલમાં ગાઈ શકાય છે.

મીરાંબાઈના પદો માત્ર માધુર્યથી જ મઢેલા નથી કે નથી નર્યાં શબ્દાલંકારના થથેડાથી સ્થૂળ થઈ જતાં. મીરાંનાં પદોમાં  રૂપકાલંકારની અર્થગહનતા ભારોભાર ભરી પડી છે. ‘જૂનું તો થયું રે દેવળ …’ આ આખુંય પદ રૂપક છે. આ દેહને અનેક સંતો જ્ઞાનીજનોએ વિવિધ રૂપકોથી ઓળખાવ્યો છે પરંતુ દેહને દેવળનું રૂપક તો પ્રેમદિવાની મીરાંએ જ આપયું છે. હંસલો શબ્દ આત્માની ઓળખ આપે છે. આ હંસ અને દેહરૂપી દેવળનો સંગાથ તો ઘડીભરનો છે. દેહ-દેવળ જૂનું થતાં પડી જાય છે અને અજ-અમર હંસ- આત્મા નિર્લેપ હોવાથી ઉડી જાય છે. અન્ય એક પદમાં મીરાં આ કાયાને વાડીનું રૂપક આપતાં કહે છે, ‘મારી વાડીના ભમરા વાડી મારી વેડીશમાં’ તો ‘દવ લાગ્યો ડુંગરિયે, અમે કેમ કરીએ’ વગેરે.

આમ મીરાંબાઈનાં પદો તેની લલિત, કોમળ, માધુર્ય ગુણથી સંપન્ન હોવાથી રમણીય કવિતા બની રહે છે. પદોમાં રહેલી ગેયતા, ભાવસભરતા અને અર્થગહનતાના કારણે લોકભોગ્ય અને શાશ્વત બની રહે છે.

કાલિંદી પરીખ

*****

ભક્ત કવયિત્રી મીરાંબાઈ

જન્મ : 1498, કૂડકી (મેડતા, રાજસ્થાન

માતા-પિતા : વીરકુમારી રતનસિંહ

કર્મક્ષેત્ર : મેવાડ

અવસાન : 1547

મીરાંબાઈની રચનાઓ

નરસિંહ રા માહ્યરા, ગીતગોવિંદ ટીકા, રાગ ગોવિંદ, રાગ સોરઠ કે પદ

મીરાબાઈના ગીતોનું સંકલન ‘મીરાબાઈ કી પદાવલી’ નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે.  

જીવન

જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.

બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, “મારા પતિ કોણ હશે?” તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, “તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને”

નાની ઉંમરમાં જ તેમનો વિવાહ ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: