
ઓઢીને લીલોતરી બેઠા છીએ,
એક ટહુકાને સ્મરી બેઠા છીએ.
ખૂટતા રંગો ભરી દે તું હવે,
સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.
કૈંક વડવાનલ ધખે પેટાળમાં,
બસ, ઉપરથી આછરી બેઠા છીએ.
અંત એનો શું હશે કોને ખબર !
વારતા તો આદરી બેઠા છીએ.
મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા
આજ કોને સાંભરી બેઠા છીએ.
~ આશ્લેષ ત્રિવેદી
એક એક શેર મોતી જેવો….

ખૂબ સરસ ગઝલ
વાહ!અંદર આસન જમાવી બેઠા!સકલને બાથ ભરીને બેઠા કવિ.
સાદ્યંત સુંદર રચના