પ્રજ્ઞા પટેલ ~ એણે ઇચ્છ્યું

એણે ઇચ્છ્યું, એ જીવે પોતાની રીતે

ભણી – ગણી, પાકટ બની, કમાતી પણ થઈ,

ઘર અને બહારની બધીયે ભાષા સમજાવા લાગી,

બોલાયેલી અને નહીં બોલાયેલી.

ઈચ્છા, પસંદગી અને અધિકાર,

સુખ, આનંદ અને પીડા,

સ્નેહ, સંતોષ અને સમજણ,

સમાધાન અને સ્વીકાર –

એક એક શબ્દની ઓથે આખા જન્મારાનો ભાર,

એ ય માફકસર કરી લીધો પોતાને.

અર્થોની લિપિઓનું ઘેરું વર્તુળ દોરી લીધું…

ભૂલમાં, ઉતાવળમાં કે ઉમળકામાં

બહાર રહેવાને બદલે એ રહી ગઈ વર્તુળની અંદર.

ત્યારથી એ અંદર ને અંદર..

ગોળ ગોળ..

નથી ખેંચી શકતી ભીતર કોઈને,

નથી નીકળી શકતી પોતે બહાર.

ઈચ્છા, પસંદગી અને અધિકાર,

એ જ… સ્નેહ, સમાધાન, સ્વીકાર..

બધુંયે વર્તુળાકાર ને સાવ એકાકી પોતે !!

પ્રજ્ઞા પટેલ

વિશ્વ નારી દિવસ અંગે આ અર્થપૂર્ણ અને ઊંડાણભરી કવિતા કાલે જ મળી અને લો, આજે રજુ…..

કવિતા પોતે જ ઘણું કહી જાય છે.

‘આકાશ ખોલી આપું’  કાવ્યસંગ્રહ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: