હર્ષા દવે ~ છેલ્લો પ્રવાસ * Harsha Dave

છેલ્લો  પ્રવાસ છે,
ઘટમાં ઉજાસ છે,

આ ખોળિયું ઘણો,
મોંઘો લિબાસ છે.

જીવન ગઝલનો તું,
અંત્યાનુપ્રાસ  છે

કાં તું  કશે નથી,
કાં આસપાસ છે.

બે-પાંચ શબ્દનો,
મારો ગરાસ છે.

હસવું રૂદન તણો,
અણઘડ પ્રયાસ છે.

– હર્ષા દવે

ટૂંકી બહરની અને ઊંડી આધ્યાત્મિકતાથી છલોછલ આ રચના તરત ધ્યાન ખેંચે એવી નોંધપાત્ર છે. વાણીની કેડીઓ છોડીને મૌનના રાજમાર્ગ પર થતો આ પ્રવાસ છેલ્લો હોય કે મધ્યનો, અંદર ઉજાસ પાથરે છે અને મૂળે તો પ્રવાસની જ મજા છે, પહોંચવાનું ઈશ્વરાધીન છે એ સમજણ અવશ્ય બક્ષે છે. આ જીવન છે અને જીવનની બધી જ બાબતોનો અહીં સ્વીકાર છે. સ્વીકાર એ સરળતાની નિશાની છે અને સરળતા સચ્ચાઈનું સ્વરૂપ ! પણ સરળતા બહુ જ અઘરી છે. એક સીધી લીટી ફૂટપટ્ટી વગર આંકી જુઓ, સમજાઈ જશે કે સરળ બનવું, જરાય  સરળ નથી !

12.3.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: