રમણલાલ સોની ~ ખદુક, ઘોડા

ખદુકઘોડાખદુક ~ રમણલાલ સોની 

ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !

ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઊપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

રમણલાલ સોની (25.1.1908-20.9.2006)

પૂરું નામ રમણલાલ પીતાંબરદાસ સોની અને ઉપનામ ‘સુદામો’. કોકાપુર, ગુજરાતના વતની. ખૂબ જાણીતા બાળસાહિત્યકાર. ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત આ સર્જકે 30થી વધુ બાળસાહિત્યમાં વાર્તા, કવિતા અને નાટકોના પુસ્તકો આપ્યાં છે. એમનું એટલું જ જબરદસ્ત કામ અનુવાદોમાં રહ્યું છે. બાળકોને તરત ગમી જાય એવું આ ગીત.

25.1.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: