હીંચકેથી હેઠે ઉતારો
હરિ ! હવે હીંચકેથી હેઠે ઉતારો
ઝૂલવું ને ઝૂલવું ને ઝૂલતા જ રહેવું
કશે નહીં પહોંચવું
એનો લાગે છે થાક, મને ઉગારો નાથ!
હવે હીંચકેથી હેઠે ઉતારો…
આભને આંબીને વળી પાછા વળવું
પાતાળે પહોંચીને ફરી પાછું ફરવું
મળતું નથી રહેણાક
એનો લાગે છે થાક, મને ઉગારો નાથ!
હવે હીંચકેથી હેઠે ઉતારો…
હીંચકાની જાત એ તો ઝૂલ્યા કરવાની
રાહ જોશે નહીં કોઈના પાછા ફરવાની
ભલે ઝૂલે એ દિવસ ને રાત, મને લાગે છે થાક
મને ઉગારો નાથ
હવે હીંચકેથી હેઠે ઉતારો.
~ ધીરુબહેન પટેલ
કાવ્યસંગ્રહ ‘છોળ અને છાલક’ * ધીરુબહેન પટેલ * ઈમેજ પ્રકાશન 2014

વાહ ખુબ સરસ રચના ખુબ ગમી
બહુજ સરસ રચના.વંદન ધીરુબેન.
વાહ, સુંદર પ્રતિકાત્મક કાવ્ય. સ્મૃતિ વંદન.