સખી હે
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી હે
હે ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાં
બોરડી કને ગયાં
સખી આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી?
પાસ પાસે અણસાર જેવું પણ નીરખ્યું
તો મોંસૂઝણાં છેટાં રહ્યાં
સખી આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
મોર વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર!
કોણ જાણે પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે
એટલાં લોચન વહ્યાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી હે
હે ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાં
બોરડી કને ગયાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી…
~ રમેશ પારેખ
