સૂરજમુખી
સૂર્યને પીધા કરે સૂરજમુખી
ઘૂંટ કિરણોના ભરે સૂરજમુખી.
પાથરીને પાંખડીઓ મખમલી,
તેજનું સ્વાગત કરે સૂરજમુખી.
ઝંખના તારા તરફ ફરતી રહે,
આંસુઓમાં તરવરે સૂરજમુખી
‘ઓ તિમિરના પર્વતો, થોડા ખસો,’
રાત આખી કરગરે સૂરજમુખી
પાંખડીનો ધોધ સોનેરી વહે,
કાળને ભીંજ્યા કરે સૂરજમુખી.
આ ઉદાસી મારી જૂઈ-ફૂલ શી,
આ વ્યથા જાણે અરે, સૂરજમુખી.
~ મનોજ ખંડેરિયા (6.7.1943 – 27.10.2003)

વાહ સરસ રચના ખુબ ગમી
પ્રતિભાવ આપનારા મિત્રોનો ખૂબ આભાર.
મુલાકાત લેનારા મિત્રોનો પણ ઘણો આભાર.
~ લતા હિરાણી