અમૃત ઘાયલ ~ નશાના ધામ તરફ

મુકામ તરફ

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી ,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઇ જનાજો જવાન પ્યાસ તણો!
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દ્રષ્ટિ ફકત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ કયાંથી!
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટિ,
કે ફાટી આંખથી જોતાં રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરામ તરફ.

જો હોય શ્રધ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં,
તો આપ મેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ, 
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.

~ અમૃત’ઘાયલ’

1 thought on “અમૃત ઘાયલ ~ નશાના ધામ તરફ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *