અમૃત ઘાયલ ~ મારા વિચારે

*તને વિસ્મરી જવું*

મારા વિચારે મૌનમાં તારું સરી જવું
ને ઊંડે ખૂબ ઊંડે પછી ઊતરી જવું

છે યાદ કેવી રીતે ભૂલું ક્ષણ રતૂંમડી
મુજ આવવું અને તારું સ્વેદે નીતરી જવું

મારું નીકળવું સાંજના તારી ગલી વિશે
ને હાય તારું નીચું જોઈ નીસરી જવું

મારું તડપવું ,રડવું સતત ઝૂરવું અને
નજરોથી તારી તું સદા તર કરી જવું

મિત્રો નથી સહેલ પરંતુ કઠિન છે
આ કાળજામાં નામ કોઈ કોતરી જવું.

ક્યાં કષ્ટ કયાં પડે છે ભલા એમાં કોઈને
બહુ નાની સૂની વાત છે બોલી ફરી જવું

કે કામ લેવું હાથમાં છે મોટી વાત પણ
એનાથી મોટી વાત છે પૂરું કરી જવું

‘ઘાયલ’તરે છે દ્રષ્ટિમાં દ્ર્શ્યો બધાં હજી
મુશ્કિલ છે દોસ્ત ખૂબ તને વિસ્મરી જવું.

~ અમૃત ઘાયલ (19.8.1916 – 25.12.2002)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *