*કોઈની પડી નથી*
છે તૉર એનો એવો કોઈની પડી નથી
આ ગામમાં જાણે કે બીજી છોકરી નથી
અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર
બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી
પ્રતિબિંબ પણ કોઈનું એમાં હોવું જોઈએ
આ કાચની તકતી જ ફક્ત આરસી નથી
પંડિતજી પોથીમાં શું શોધો છો ક્યારના
ત્યાં સ્વર્ગથી અપસરા કોઈ ઊતરી નથી
આ આપણા સમયનો છે યુગબોધ એટલો
બાળક હવે બાળક નથી, પરી પરી નથી
એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ
એ આંખ શું જે આંખમાં તારી છબી નથી
એને તે એટલી તો ફટવી દીધી ‘અદમ’
કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી
~ અદમ ટંકારવી (27.9.1940)
