દેવદાસ શાહ ‘અમીર’ ~ ભેખડોને તોડતી

ભેખડોને તોડતી આગળ વધે ને એ નદી!
ને એક અમથી કાંકરીથી થરથરે ને એ નદી!

સંસ્કૃતિને બાવડું ઝાલી અને બેઠી કરી
ને પ્રદુષણના પ્રહારે તરફડે ને એ નદી!

વિસ્તરે તો શિવની આખી જટા ઓછી પડે
ને અંજલિમાં અલ્પ થઈને જે શમે ને એ નદી!

સ્વર્ગથી હડધૂત થઈને શ્રાપ પામી તે છતાં
પૃથ્વી પર સંજીવની થઈ અવતરે ને એ નદી!

વીફરે તો ગામમાં ગામો ઉદરમાં ઓરતી
ને રીઝે તો રક્ત થઈ નસમાં વહે ને એ નદી!

એ વિરહના અવસરે પણ સાથ દેવાની સદા
ગોપીઓના કાજળે કાળી પડે ને એ નદી!

ક્યાંથી નીકળી, ક્યાં જઈ, કોને મળેનું કામ શું
કોઈને પણ પાદરેથી નીકળે ને એ નદી!

એ પિયરમાં વીરડી મીઠી બની રે’ છે ‘અમીર’
છેવટે ખારાશને જઈને વરે ને એ નદી!

~ દેવદાસ શાહ ‘અમીર’ (15.11.1937 – 24.7.2019)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *