સદ્ભાવના*
ના મારે તુજ ભેટ, બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ
છું એવો નહિ રંક કે અવરની મારે કૃપા જોઈએ!
આવ્યો છું લઈ નગ્દ હાથ, કરવા સોદો મને ભાવતો
થા મારી, જન આ નિખાલસ તણી જો ચાહના જોઈએ.
જો તું દાન કરે મને, ભગવતી! દે દાન હૈયા તણું
હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું હા જોઈએ.
જેમાં જોઈ શકું મુહબ્બત તણી તસ્વીર ખેંચાયલી
રાજા ચોર લિયે હરી નહિ નહીં એવી મતા જોઈએ.
આપે તો ગુજરાન આપ મુજને મારી લઈ ખાતરી
થોડા આપ દિનો વળી સુખ તણા ના વાસના જોઈએ
તે મારી નથી માગણી તુજ કને સંકોચ જેનો તને
ઝાઝું જો તુજ પાસ હોય નહિ તો સદ્ભાવના જોઈએ.
~ મગનભાઇ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’
(8.8.1905 અંકલેશ્વર -18.3.1970 વડોદરા)
