🥀🥀
આપણામાં સમજણનો દરિયો જો હોત –
તો છીછરા પાણીમાં આમ અધવચ્ચે ડૂબ્યાં ના હોત!
તડકાની મહેક તારી આંખોમાં છલકતી’તી
ચાંદની શા મહેક્યા’તા શ્વાસ.
હળવી હવાને એક હિલ્લોળે પાન ખરે
આપણો એમ છૂટ્યો સહવાસ!
પછી અમથુંયે જોયું નહિ, અમથુંયે બોલ્યાં નહિ
આમ અમથુંયે રૂઠ્યાં ના હોત….!
ઝરમરતી ઝીણેરી વાતમાંથી આપણે તો
આભલાનો ઓઢી લીધો ભાર,
હસ્યાં-મળ્યાંનાં બધાં સ્મરણોને મૂકી દીધાં
જીવતરના હાંસિયાની બહાર…!
કાશ! અહમના એકડાઓ વારંવાર આપણે
આમ, આંખોમાં ઘૂંટ્યા ના હોત…!
~ યોસેફ મૅકવાન (20.12.1940 – 25.12.2022)