🥀🥀
પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !
ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?
જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !
લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?
હોય આનાથી વધુ સંતાનનું બીજું પતન ?
ભરબજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે !
માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !
ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !
~ કાયમઅલી હજારી (23.12.1943 )
