દામોદર ભટ્ટ ‘સુધાંશુ’ ~ દફતર ધણીને દેશું

🥀🥀

દફતર ધણીને દેશું રે જીવને લખ્યું રે,
મહેતો છું મારા માલિકનો હો જી!
કરમની કલમની ભળાવી મારા સાહ્યબે,
આરાધક ધણીના અહાલેકનો હો જી!
ભરીભરી સાહ્યબી
વિભવની વાનગી,
આતમને ખાતે તો ખતવીને આપી ઉરને,
પરમની પરવાનગી હો જી!

સાચાંખોટાં લેખાં રે તપાસે ખાતાવહી ખૂંદીને,
જમા રે કર્યું એ તો જાણે રે હો જી!
ઉધારમાં ધીર્યું રે કાંઈ કાંઈ નોખું નાણે રે,
તારીજો જુદા કરી તાણે રે હો જી!
ખાતાવહી પ્રેમની,
જિંદગાની પ્રેમની,
આપવી છે સાચી રે લખીને અલખની લેખણે,
કરવી છે રજૂ હતી જેમની હો જી!
લેવીદેવી રકમું રોકાતી મારા નાથને,
સાચવું હું આતમઆંટને હો જી!
આંક એક ઓછો ના રહે માગું મનડાને માયલે,
ગમ પાડો! હરિ! મારી ગાંઠને હો જી!

~ દામોદર ભટ્ટ ‘સુધાંશુ’ (25.12.1913 – 29.3.1983)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *