દલપતરામ ~ શિયાળે શીતળ વા વાય

🥀🥀

શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે  ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન,  કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.

ચોમાસું તો ખાસું ખૂબ,  દીસે  દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ,  ચાખડીઓ   હીંડોળાખાટ.

~ દલપતરામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *