🥀🥀
*જલસો*
આપી દીધું નિમંત્રણ આવી શકે તો જલસો
એકાંતની દિવાલો પાડી શકે તો જલસો
છે દ્વાર બંધ તો શું? બારી તો છે ઉઘાડી
એ શક્યતાને જલ્દી પામી શકે તો જલસો
સુનકારથી છલોછલ મધ્યાહ્નમાં રહી છું,
ઉન્માદી સાંજ થઈ તું આવી શકે તો જલસો !
મંજિલ નહીં મળે, પણ રસ્તાની તો મજા છે!
બસ હાથ મારો ઝાલી ચાલી શકે તો જલસો.
સંવાદ જો સ્થગિત હો, તો પણ ન થાઉં વિચલિત,
સંવાદિતા તું એવી સ્થાપી શકે તો જલસો !
જ્યારે ક્ષણોના પગમાં વાગી રહ્યાં હો ઘૂંઘર
ત્યારે તું ગીત તારું ગાઈ શકે તો જલસો.
શોધી રહી છું ખુદને હું પણ યુગો-યુગોથી
મારા સુધી મને તું લાવી શકે તો જલસો.
~ શબનમ ખોજા
