🥀🥀
મારી હયાતી આજે મને રૂબરૂ થઈ;
ઈશ્વરની સાથે જાણે કોઈ ગુફ્તગુ થઈ.
નહીંતર સ્વભાવ એવો કે તોડું ન મૌન પણ;
છલકાયું આ હૃદય તો ગઝલ પણ રજૂ થઈ.
શંકા જ માનવીને વ્યથિત સૌ પ્રથમ કરે;
સચ્ચાઈની કસોટી ત્યાં સમજો શરૂ થઈ.
ખાલી જગાનું મૂલ્ય તો નિર્ભર એ વાત પર;
કો’ વ્યક્તિ હોય ના તો, એની વાત શું થઈ?
સંગતનો પૂરેપૂરો છે ઓળખ ઉપર પ્રભાવ;
ફૂલોનો સ્પર્શ પામી હવા ખૂશ્બુ થઈ.
નાશાદ આ નમાઝ અનૂઠી ન કેમ હો !
આંસુ સમાન જળથી જો મારી વજૂ થઈ.
~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’
