*છત બનીને*
છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે,
જીંદગીનું પોત એમ જ સાંધવાનું હોય છે.
વારતા દિલ આપવાની એટલે અડધી રહી,
તું ન સમજ્યો તારે પણ દિલ આપવાનું હોય છે.
આખરે ખેંચી જશે એ દુર્ગતિના પથ તરફ,
વિસ્તરે જો હું પણું તો નાથવાનું હોય છે.
લડખડાતું મન સતત સમજણ ઉવેખી ભાગશે,
આયનો એને બતાવી વાળવાનું હોય છે.
સત્યને પણ શોધવાનું એટલું અધરું નથી,
ઝેર મૂકી જીભ પર બસ ચાખવાનું હોય છે.
~ ગોપાલી બુચ