*ગઝલ રેલાય છે*
આંખ ઊઘડે ને ગઝલ રેલાય છે;
હોઠ ખોલું ત્યાં ગઝલ વેરાય છે.
છત ઉપરથી ઊતરી જ્યાં ચાંદની—
ફૂલની ઓથે ગઝલ શરમાય છે.
આભથી વરસી પડે મોસમ વગર,
ને સરોવર થઈ ગઝલ છલકાય છે.
છીપ, મોતી, માછલી દરિયો લઈ,
ફીણ ઓવારે ગઝલ ઠલવાય છે.
આયખું ઝાકળ બની સ્પર્શે કદી,
ફૂલની માફક ગઝલ ભીંજાય છે.
~ આર. જે. નિમાવત (14.8.1935)
કાવ્યસંગ્રહો ‘પીળા પર્ણનો ટહૂકો’, ‘ગોફણ’, ‘ખુલ્લાં કમાડ’.
