એક શાર્દૂલ શૃંગાર-ગઝલ
તારી સૌરભ દૂર ક્યાંક પ્રસરી, મ્હેકી ઊઠ્યો હું અહીં;
ત્યાં તારું લયબદ્ધ નર્તન અને ઝૂમી ઊઠયો હું અહીં.
તારા કોમળ કંઠમાં નિવસતી ગાતી રહી કોકિલા
ને એ ગીત તણી ગ્રહી મધુરતા ગુંજી ઊઠ્યો હું અહીં. –
તારી પાછળ આવતી ઉપવને ડોલી વસંતો તણી,
ઝૂલી તું જરી આમ્રના તરુ પરે મોરી ઊઠ્યો હું અહીં.
કાળોભમ્મર કેશ—સ્પર્શ લઈને ઠંડી હવા આવતી,
હૈયે ઠંડક રેશમી અનુભવી લ્હેરી ઊઠ્યો હું અહીં.
મારી પાસ ભલે કદી ન ફરકી તોયે સદા પાસ તું,
પામીને તવ પ્રેરણા કવનમાં કોળી ઊઠ્યો હું અહીં.
~ રાહી ઓધારિયા (21.3.1946)
મૂળ નામ અરવિંદ ઓધારિયા. વતન ભાવનગર
કાવ્યસંગ્રહો : 1. ‘આભ વસ્યું આંખોમાં’, 2. ‘તમે કહો તે’, 3. ‘હમણાં હમણાં’
જન્મદિને કવિને સ્મૃતિવંદના
