થઈ ગયો
પ્રેમ પુરો થઇ ગયો, તો શખ્સ બૂરો થઈ ગયો.
કાલનો મીઠો મધુરો, આજ તૂરો થઈ ગયો!
સાંજના સ્વાગતમાં એણે ફૂલ-ગજરો આપ્યો,
ને સવારે રૂપ બદલી એ ધતૂરો થઈ ગયો!
જોયું એણે એ રીતે નફરત ભરી નિગાહથી,
કે ગળે આવેલ ડૂમો પણ ડચૂરો થઈ ગયો!
આંખથી કાયમ ઉપાડી એ મને ખેલાવતી,
આંખના પલકારે કૂદતો હું ઝમૂરો થઈ ગયો!
રોજ સપનામાં સરી, જીવ્યા કરી પ્રેમલ કથા,
આખરે એ પ્રેમનો અધ્યાય પૂરો થઈ ગયો.
~ ઇલિયાસ શેખ
