કવિતા શાહ ~ તારા દરેક પ્રશ્ન

વાત  થઈ શકે

તારા દરેક  પ્રશ્ન  ઉપર  વાત  થઈ શકે.
બોલે કશું તો અર્થ ઉપર વાત થઈ શકે.

એક્કેય શબ્દ સત્ય ઉપર કહી નહીં શકાય,
તું જો કહે અસત્ય ઉપર વાત થઈ શકે.

હું  છું  વજૂદ  બેઉ  કિનારા વચાળનું,
તટ પર રહીને તથ્ય ઉપર વાત થઈ શકે?

વિતર્ક હોય તો જ ઊહાપોહ થઈ શકે,
આ તો છે તર્ક, તર્ક ઉપર વાત થઈ શકે.

હું જાણું છું અપથ્ય તને નહીં પચે કદાચ,
ને એટલે જ પથ્ય ઉપર વાત થઈ શકે.

વાણીમાં ઓતપ્રોત હતી આજકાલ તે,
થઈ છે નદી ક્યાં લુપ્ત ઉપર વાત થઈ શકે ?

~ કવિતા શાહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *