કૈં…
ન પૂછીએ કંઈ જ, નથી જાણવું કૈં
સહજ ચાલ્યા કરવું નથી પામવું કૈં
નહીં સાધુતા કે ન હો જાપવું કૈં
ગરથ જ્ઞાનનું નહિ, ના આરાધવું કૈં
નિયમ,આચરણ,ધ્યાન,સતસંગ,રોજા-
પરેજી ના કોઈ, નથી લાંઘવું કૈં
અહાલેક અથવા તો અલ્લાહુ અકબર
ભલે એક હો પણ ના આલાપવું કૈં
બને તો કૈં એવું કરી છૂટવું કે-
કશું પણ ન લેવું સતત આપવું કૈં
પુરાતનનો વ્યામોહ, ઘખના નવાની
જતન કે ઉથાપન કે ના સ્થાપવું કૈં
વિચારો ને વ્યવહાર, વાણીય નૂતન
હજો આંગળીથી નિતરતું નવું કૈં
~ સંજુ વાળા
