જ્યોતિ હિરાણી ~ કરું હવે

મોટી  ઉંમરની કુંવારકાનું ગીત

કરું હવે હર સાંજ દીવો, ને પ્રગટાવું એક ઈચ્છા 

સૂણો નહિ જો તમે હરિ, તો કરું હું કોને પૃચ્છા 
અલકમલકની  વાત બધીયે કાને તમારે  પડતી 

મારી એક અરજ  સુણાવવા  પાયે  તમારે  પડતી ! …..
           

શમણે આવે રાજકુંવર ને  સફેદ પાંખનો  ઘોડો
પહેરાવું  જયાં  વરમાળા ત્યાં  શમણું  શીદને  તોડો ?
શમણાં ની તૂટેલી કરચો  આવી હરિવર જોડો,

મારું શમણું ફરીને જોડો।…

ઓણ  સાલ તો  લગન નથી, એમ જ્યોતિષીનું  કહેવું

સોળ  સાલ  કે’દુ ના વીત્યા, ક્યાં લગ  આમ જ  રહેવું?
પછી ના કહેતા કહ્યું ન’તું, આવીને નાતો જોડો

હરિવર તમે જ નાતો જોડો !…..

સરખે સરખી  સાહેલી  તો પરણી  થઇ ઠરીઠામ

કહો, હવે તો બદલાશેને  મારો  પણ  મુકામ ? 
હાથ, હવે તો ઝાલો હરિવર, સમય હવે છે  થોડો,

સંગ તમારી  હું ચાલું, એ શમણું  મારું જોડો,
હરિવર શમણું  મારું જોડો ! …..             

~ જ્યોતિ હીરાણી

કુંવારકાના સપનાં આમ તો સરખાં હોય પણ રહી ગયેલી, ઉંમર વીતી ગયેલી કુંવારકાએ શમણાંની પીડા હરિને જ સોંપવી રહી !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *