ગઝલ
પેટ ભરવા એ નનામી વેચતા’તા
તોય ગ્રાહક ના વધે એ પ્રાર્થતા’તા.
જેટલાં ઊંચા અવાજે બોલતા’તા
એટલા એ ખૂબ નીચા લાગતા’તા.
બંધ દરવાજે રડ્યા છે તે છતાં પણ
કોઈ આવે તો હસીને ખોલતા’તા.
એ સદીમાં પ્રેમ મોંઘો લાગતો નહિ
એકબીજા વસ્તુ નહિ,દિલ આપતા’તા.
પેટનો ખાડોય ક્યાં દેખાય એને
ઠોકરો વાગે છતાંયે દોડતા’તા.
એમની ભાષા સરળ લાગી બધાને
જે સહી પણ અંગુઠાથી આપતા’તા.
મંદિરો નહિ,માણસો ઊભા કર્યા છે
એટલે ભગવાન એને માનતા’તા.
શું બતાવું દોસ્ત એ પકવાન માટે
એક મુઠ્ઠીમાં ચણા રાખી વહેંચતા’તા.
જાણતા’તા ઘાત પાણીની છે મને
આંસુ આવે તો તરત એ રોકતા’તા.
શહેર છોડીને ભલે આવી ગયાં એ
બેગમાં એ શહેર આખું લાવતા’તા.
~ રક્ષા શાહ
