આદિલ મન્સૂરી ~ ચોમેર મૃગજળની

🥀🥀

ચોમેર મૃગજળોની દીવાલો ઊભી કરી,
જોઈ રહ્યો છે એને હવે પ્યાસો માનવી.

ખુરશી, પલંગ, મેજ, કલમ, ચાંદ, ચાંદની,
સઘળું ઉદાસ લાગે છે તારા ગયા પછી.

થોડા વધુ નજીક જો આવે આ તારલા,
પૃથ્વી તો પૃથ્વી સૂર્યયે દેખાય ના પછી.

ડૂબી ગયા છે આંખમાં આંસુના સાગરો,
થીજી ગઈ છે દિલમાં ઉમંગોની ચાંદની.

હું છું કે જાણે ગ્રીષ્મની બળતી કોઈ બપોર,
તું છે કે જાણે પોષની પૂનમની ચાંદની.

સ્વપ્નની સાથસાથ ગઈ મીઠી નીંદ પણ,
લૂંટી ગઈને કોઈને સ્વપ્નસ્થ આંખડી.

કોણે કહ્યું કે તંગ પડે છે ગઝલ-ધરા
પગ તોડી બેસી જાઓ તો દુનિયા છે સાંકડી.

~ આદિલ મન્સૂરી (18.5.1936 – 6.11.2008)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *