
🥀🥀
તને હું લાગણીમાંથી હવે બાકાત રાખું છું,
વિસારું યાદને તારી હું એ તાકાત રાખું છું.
મને સંબંધ શું આપી જશે કોઈ નવા દર્દો,
હું મારામાં ઊછરતા કેટલા આઘાત રાખું છું.
વિરહમાં જાત બાળીને કરું છું રોજ અજવાળું,
હંમેશા આમ જીવનમાં પૂનમની રાત રાખું છું.
મને ના પૂછશો શું રાઝ છે આ મૌનની પાછળ,
હૃદયમાં હુંય ઘૂઘવતા સમંદર સાત રાખું છું.
ખુશીએ કાનમાં કીધું ; ન કર વિશ્વાસ તું મારો,
ભરેલો ભીતરે મારી હું ઝંઝાવાત રાખું છું.
~ નીતા સોજીત્રા ‘રુહ’
ભાવની તીવ્રતા ગમી જાય એવી છે.
સકળ શે’ર ભાવાત્મક છે..
રચના ગમી 👌
વાહ
કવિયત્રી નીતા જી ની ગઝલમાં સરસ વેદના અભિવ્યક્તિ છે.