મનોહર ત્રિવેદી ~ઊંઘ ખેંચું ને

🥀 🥀

*રામ જાગે છે*

ઊંઘ ખેંચું ને રામ જાગે છે
શ્વાસ પ્રત્યેક આમ જાગે છે

દેશ અથવા ન ગામ જાગે છે
જાગ તું, તો તમામ જાગે છે

રાતનું આ વજૂદ સમજી લે
સૂર્ય જોતાં જ હામ જાગે છે

માર્ગ રોકાય કેમ પળભર પણ
મીટ માંડી મુકામ જાગે છે

રાખ ચિંતા ન દ્વાર ખૂલવાની
એક ત્યાં મુક્તિધામ જાગે છે

~ મનોહ૨ ત્રિવેદી

કેટલી સાચી વાત છે કે ઊંઘ્યા પછી રામ જ જાગે છે. આપણે આપણી સુધ-સાન રાખીએ એ શક્ય નથી અને તોય સૂતી વખતે ઊઠ્યા પછીના કામની યાદી દિમાગ તૈયાર કરતું જ રહે છે. અલબત્ત વ્યાવહારિક રીતે એમ કરવું પડે એ સાચું પણ ન ઉઠ્યા તો બધુ ‘રામભરોસે’ મૂકવા જેટલી શ્રદ્ધા પેલી ગણતરીઓ સાથે સામેલ રહે તો સુવા-જાગવાનું ન્યાલ… રોજબરોજની આ ક્રિયાને વિષય બનાવીને કવિએ કેવું મજાનું ચિંતન રજૂ કર્યું છે !

4 thoughts on “મનોહર ત્રિવેદી ~ઊંઘ ખેંચું ને”

  1. લલિત ત્રિવેદી

    આદરણીય કવિની બન્ને ગઝલો બહુ સરસ.. વંદન

  2. હરીશ દાસાણી.મુંબઈ

    એકદમ નવા જ પ્રકારની અને સરળ પણ ગહન. મનોહરભાઇની બાની સ્પષ્ટ,પારદર્શક હોવાથી ગઝલિયતનો ધનુષ્ય ટંકાર કરતી સીધી આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *