નયન હ. દેસાઈ ~ પનઘટે છલકાતી

🥀 🥀

પનઘટે છલકાતી ગાગર સાંભરે,
દી ઊગે ને રોજ સહિયર સાંભરે.

છેડલો ખેંચી શિરામણ માગતો
વાસીદું વાળું ને દિયર સાંભરે.

ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે.

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે.

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.

તાણ ભાભુજીએ કીધી’તી નકર
કોણ બોલ્યું’તુ કે મહિયર સાંભરે.

મા ! મને ગમતું નથી આ ગામમાં
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે.

~ નયન દેસાઈ (22.2.1946 – 14.10.2023)

4 thoughts on “નયન હ. દેસાઈ ~ પનઘટે છલકાતી”

  1. લલિત ત્રિવેદી

    મારા પ્રિય કવિને વંદન.. બંન્ને ગઝલો ગઝલના ઇતિહાસની વિશિષ્ઠ ગઝલો… અદ્ભુત…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *