🥀 🥀
જોયા બે જૂના જોગી રે, કહે સૈયર તે કોણ હશે ?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
અબઘડી થાતા નથી અળગા રે, કહે સૈયર તે કોણ હશે ?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
મન ધારી પરસ્પર માયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
એક સ્થિર રહે એક દોડે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ જણાય જોડેજોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે ?
દીસે છે રુડારૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
વસ્તીમાં વળી વદડામાં રે, કહે સૈયર તે કોણ હશે ?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે ?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે ?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
એની ઉમ્મર કંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ ભૂલી ફરી ગણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
કંઇ ઉપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
કોણ જાણે જનમ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે ?
ક્યાં સુધી કાયા ધારે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે ?
સખી કોણ મુજને સમજાવે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે ?
દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
~ કવિ દલપતરામ (21.1.1920 – 25.3.1898)
અર્વાચીનતા સંપૂર્ણપણે જો પ્રગટ થઈ હોય તો તે નર્મદમાં સાચું, પણ એના અંશનો સૌ પ્રથમ આવિષ્કાર દલપતરામમાં થયો હતો. વિપુલ સર્જન, કાવ્યો, નિબંધો ને નાટકો લખ્યાં. અરધી સદી સુધી એમણે લખ્યું. ‘ફાર્બસવિરહ’ જેવી કરુણપ્રશસ્તિ પણ લખી. દલપતરામનું હાસ્ય કાવ્યમાં સહજ રીતે ઊપસી આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં જન્મેલા દલપતરામે ‘દલપતપિંગળ‘ પણ લખ્યું. વ્રજ ભાષામાં પણ રચનાઓ કરી.સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ રહ્યા. દલપત કાવ્ય ભાગ-૧-૨માં એમની કવિતા સંચિત થયેલી છે. ~ સુરેશ દલાલ
કવિને શત શત નમન 🙏👏
વાહ રચનાઓ વંદન કવિને
સરળ શબ્દો માં સરસ ભાવવાહી રચનાઓ…એ તો સિદ્ધ કવિજ કરી શકે
કાયમી વાંચવા લાયક કાવ્યો.નમન સહ