શેફાલી રાજ ~ દીકરીની વિસ્મયભરી આંખોમાં  

🥀 🥀

દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એનાં ફૂલોના ઢગલા જેવાં હાસ્યને સૂંઘીને

હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચ… આવતી કાલે…
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય…………

~ શેફાલી રાજ

એક સાવ નાનકડું, ખોબલામાં સમાઈ જાય એવડા આ કાવ્યમાં પોતાના લાડકા સંતાન પરનો નિર્ભેળ પ્રેમ અને પછી પોતાની આવતી કાલની વ્યથા કવયિત્રીએ ફૂલોની પાંખડીની જેમ વેરી દીધી છે. સ્હેજ પણ ભાર વગર છેલ્લી પંક્તિમાં એ એટલી સહજતાથી અને સાંકેતિક રીતે મૂકાઇ છે કે શબ્દો અહીં કાવ્યત્વને સ્પર્શી જાય છે!

બાળપણ એટલે જ વિસ્મયનું વિશ્વ !! કીડીને ચાલતી જોઇને કે પાંદડાને હલતું જોઇને ય એની આંખો આનંદ અને મુગ્ધતાથી છલકાઇ ઊઠે !! વહેતું પાણી કે હવાની લહેરો એને રોમાંચિત ન કરી મૂકે તો જ નવાઇ !! ઊડતા પતંગિયાની પાછળ દોડાદોડ કરતી નાની નાની પગલીઓ કે ફૂલોની સુગંધને ખોબામાં ભરવા મથતી નાની નાની કૂમળી હથેળીઓ આસપાસના વાતાવરણનેય વ્હાલપથી ભરી દે છે. એક રંગીન કાગળ કે ચોકના ટુકડાની મિરાતને ખિસ્સામાં સાચવવા મથતું બાળપણ અમીર ગરીબના ભેદને ક્યાંય ખીણમાં ફેંકી દે છે. યાદ આવે છે એક જૂની હિન્દી ફિલ્મનું ગીત ‘બચપન કે દિન ભી ક્યા દિન થે, ઉડતે ફિરતે તિતલી બનકે….’

આ કાવ્યમાં દીકરીની આંખોમાંનું વિસ્મય માતાને રોમેરોમ સુખથી ભરી દે છે અને પ્રશ્નો પણ સર્જે છે, મુંઝવણ પણ ખડી કરી દે છે.. અલબત્ત આજે એ દીકરીના ભોળપણથી ભર્યા પ્રશ્નો છે પણ સવાલ આખરે સવાલ છે અને જેનો જવાબ નથી એવા સવાલ સહેવા સહેલા નથી !! મને યાદ આવે છે પરદેશથી આવેલા એક યુગલની વાત. પોતાના ભાઇને ત્યાં નવા બાળકની ખુશાલી પ્રસંગે એની દીકરી માતાને પૂછે છે, ‘મા, આ આન્ટીએ બાળકનું શા માટે પ્લાન કર્યું ? એનો એટલો જ નાનકડો ભાઇ જવાબ આપી દે છે, ‘Every girl have to have a baby !!’ – ‘દરેક છોકરીને બાળક હોવું જ જોઈએ!’  સ્વાભાવિક છે કે આવા સવાલો મા-બાપને મૂંઝવે જ… જો કે અહીંયા કવિની મૂંઝવણ અલગ છે. દીકરીની આવતીકાલ કેવી હશે ? દરેક ભારતીય માતાને મૂંઝવતો સવાલ !

દીકરીનાં ફૂલોના ઢગલા જેવા ફેલાયેલાં હાસ્યમાંથી મીઠા શ્વાસ વીણી લેવાના છે, સાચવી રાખવાના છે. એ સંઘરેલ પ્રાણવાયુ આવતી કાલે કદાચ કામ લાગે… આ ફૂલો ભર્યું હાસ્ય આમ જ જળવાઇ રહેશે ? સુગંધ સલામત રહેશે ? કોઇ ખાતરી નથી… કદાચ નહીં જ રહે એની પૂરી આશંકા છે… બાળપણ જશે, એની નિર્દોષતા જશે.. યુવાની આવશે અને એની સાથે એના બધા જ વાવાઝોડાં, વમળો લઇને આવશે.. એ ક્યાંક પોતાની નવી જિંદગીમાં પરોવાશે અને પછી એ જીવન કેવું હશે ? ચિંતા અને ભયમિશ્રિત લાગણીઓ એને ઘેરી વળે છે અને માની ચિંતાઓમાં એક નવું તત્વ ઉમેરાય છે. દીકરી નહીં હોય ત્યારે પોતાની પાસે શું બચ્યું હશે ? એક આખી જિંદગી જીવ્યાનો થાક.. અને એ વખતે પેલી સચવાયેલી સુગંધ મનના એકાદ ખૂણાને જરૂર સુવાસિત કરી શકશે….

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 103 > 10 સપ્ટેમ્બર 2013

14 thoughts on “શેફાલી રાજ ~ દીકરીની વિસ્મયભરી આંખોમાં  ”

  1. Jayshree Patel

    સુંદર આસ્વાદ સુંદર અભિવ્યક્તિ 👌👌

  2. માની મમતાને વ્યક્ત કરતું નાનકડું કાવ્ય ને એનો આસ્વાદ બંને સરસ. ધન્યવાદ.

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    ગાગરમાં સાગર જેવી અને ખૂબ હૃદયસ્પર્શી અછાંદસ કાવ્ય રચના… વાહ… અભિનંદન… લતાબેન આપનો અને કવિયત્રીને

  4. SARYU PARIKH

    સરસ કવિતાનું કાવ્યમય રસ દર્શન.

  5. ઉમેશ જોષી

    કાવ્ય હ્રદયસ્પર્શી છે અને આસ્વાદ ખૂબ સરસ…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *