જયંતિલાલ સોમનાથ દવે ~ આપણા મલકમાં

*આપણા મલકમાં*

આપણા મલકમાં માયાળુ માનવી,
માયા મેલીને જાવું, મારા ભાઈબંધ!

આપણા મલકમાં ગરવો ગિરનાર છે,
દેરે દેરે દેવ બેઠા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં રતનાગર સાગર,
ખારવા સમદર ખેડે, મારા ભાઈબંધ!

આપણા મલકમાં આંબાનાં ઝાડવાં,
કેરીમાં કેસર ઘોળ્યાં, મારા ભાઈબંધ!

આપણા મલકમાં પાણીયાળાં ઘોડલાં,
અસવાર આડો આંક, મારા ભાઈબંધ!

આપણા મલકમાં પંખીરાજ મોરલો,
પીંછડે ટાંક્યાં હીરા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં ગામેગામ ખાંભિયું,
મરી જાણ્યું મુછાળે, મારા ભાઈબંધ!

આપણા મલકમાં રાસ્યુંની રમઝટ,
જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ!

~ જયંતિલાલ સોમનાથ દવે (15.8.1932)

3 thoughts on “જયંતિલાલ સોમનાથ દવે ~ આપણા મલકમાં”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *