*જઠરાગ્નિ*
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !
રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
~ ઉમાશંકર જોશી

કવિશ્રીને પ્રણામ
કવિ શ્રી ઉ.જો.નાં કાવ્યો શાળા સમયમાં ભણતાં ભણતાં કવિતા નો પરિચય થયો હતો, વાહ.
ઉમાશંકર જોશીજીની જોશીલી કવિતા “ભૂખ્યા જનોનો જઠરાગ્ની જાગશે” અને “શબ્દ ચિરંતન જ્યોતિ સ્તંભ” આત્માને સ્પર્શી ગઈ. 🙏💐🙏